The news is by your side.

રાજપીપળા પાલિકા સ્થાપનાને આજે 71 વર્ષ થયા:જાણો પાલિકાની હાલની સ્થિતિ

0 465

Get real time updates directly on you device, subscribe now.

(વિશાલ મિસ્ત્રી રાજપીપળા)

 

“સરકારી વહીવટમાં લોલમલોલ,ઉનાળાની કાળઝાળ ગરમીમાં રાજપીપળા શહેરના અમુક વિસ્તારોમાં પાણીની કિલ્લત,પારાવાર ગંદકી સહિતના અનેક પ્રશ્નો આજે પણ શાસકો ઉકેલી શકતા નથી,શાસકોની અણઆવડતને કારણે વીજબિલના પણ પ્રશ્નો સર્જાતાં અગાઉ વીજ કનેક્શન કાપી નાંખવામાં આવ્યું હતું, આંતરિક ડખાને કારણે નગરની હિતલક્ષી કામગીરીમાં બાધક બનતા શાસકો ક્યારે સુધરશે”

 

“સત્તાધીશો સત્તાના મદમાં રહેતાં રાજપીપળા નગર પાલિકાના વિકાસમાં અવરોધઃપાલિકા પ્રમુખ અને સીઓની અહમની લડાઈ!”

 

“રાજપીપળા પાલિકા ચીફ ઓફિસર પણ મરજી મુજબ વ્યવહાર કરતા હોવાની બૂમ,હાલ રજા ઉપર ઊતરી જતાં ફરી વિવાદ સપાટીએ,રજા બાબતે ખુદ પ્રમુખ જ અજાણ!”

 

“પાલિકા ચીફ ઓફિસરે રાજપીપળામાં ગંદકી મુદ્દે સુપરવાઈઝરને નોટિસ આપી નથી, એ મારું માનતા જ નથી:પ્રમુખ જીગીશાબેન ભટ્ટની લાચારી”

 

“પાલિકાના કેટલાક કોર્પોરેટરોએ સીઓ અમિત પંડ્યાનો ટેલિફોનિક સંપર્ક સાધવાનો પ્રયાસ કર્યો,પરંતુ ફોન સ્વિચ ઓફ હતો”

 

 

રાજપીપળા:રાજપીપળા પાલિકાની સ્થાપના 3/5/1948 ના રોજ થઈ હતી,આજે સ્થાપનાને 71 વર્ષ પૂર્ણ થયા છતાં રાજપીપળા પાલિકા કોઈના કોઈ બાબતે વિવાદ રહે છે.ભાજપની સત્તા આવ્યા બાદ પ્રજાને વિકાસ કામોની આશા હતી.પરંતુ અહમની લડાઈમાં પ્રજાની ખો નીકળી રહી છે.આજે પણ નગરમાં કેટલાય પ્રશ્નોનો ઉકેલ આવ્યો નથી.પાલિકા શાસકોમાં એકરાગીતાના અભાવે પ્રજા પરેશાન થઈ ગઈ છે.ત્યારે પાલિકાના ચીફ ઓફિસર રજા ઉપર ઊતરી જતાં નવો વિવાદ બહાર આવ્યો છે.સીઓ રજા ઉપર ગયા હોવાની ખુદ પાલિકા પ્રમુખને જ જાણ નથી.જેને કારણે રાજકારણમાં ગરમાટો આવી ગયો છે.

 

રાજપીપળા નગરપાલિકામાં ઘણાં વર્ષો બાદ ભાજપને બહુમતી મળી છે.હાલ પાલિકામાં બીજી ટર્મમાં પ્રમુખ તરીકે ભાજપનાં જીગીશા ભટ્ટ શાસન કરી રહ્યાં છે. હાલના શાસન કાળ દરમિયાન પણ સમસ્યાઓની ભરમાર છે,એક તો પાલિકાનું વીજ બિલ બાકી હોવાથી વીજ કંપનીએ વીજ કનેક્શન કાપી નાખ્યું હતું,જેથી શહેરના અંધારપટ પણ છવાયો હતો. તે સમયે શહેરીજનોએ ભારે ભાજપ શાસકો પ્રત્યે ભરે આક્રોશ વ્યક્ત કર્યો હતો.તો હાલમાં ઉનાળાની કાળજાળ ગરમીમાં રાજપીપળા શહેરના અમુક વિસ્તારોમાં પાણીની કિલ્લત પડી રહી છે તો બીજી બાજુ અપાર ગંદકીને કારણે શહેરીજનો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે.

 

હવે આવા કપરા સમયે રાજપીપળા પાલિકા CO મુખ્ય અધિકારી અમિત પંડ્યા કેટલાક દિવસથી પોતાની કચેરીમાં દેખાતા જ નથી,CO ક્યાં છે એ મામલે રાજપીપળા પાલિકાના કર્મચારીઓ પોતે જ અજાણ છે.જોકે કર્મચારીઓનું એમ કહેવું છે કે CO માંદગીની રજા પર ઊતરી ગયા છે,પણ એમનો ચાર્જ કોને સોંપ્યો છે એ ખબર નથી. રાજપીપળા પાલિકાના અમુક કોર્પોરેટરોએ આ મામલે CO અમિત પંડ્યાનો ટેલિફોનિક સંપર્ક સાધવાનો પ્રયાસ કર્યો પણ એમનો ફોન સ્વિચ ઓફ આવતો હોવાનું એમનું કહેવું છે. છેલ્લા ઘણા દિવસોથી CO ની અન્યત્ર બદલી થઈ ગઈ છે એવી વાતો પણ વહેતી થઈ હતી. હવે પાલિકા CO કોઈને ચાર્જ સોંપ્યા વિના રજા પર ઊતરી જાય તો કેટલાયે લોકોના કામો અટકી જાય એ ક્યાં એમને ખબર છે.

 

ચીફ ઓફિસર મારું માનતા જ નથી:જીગીશાબેન ભટ્ટ

રાજપીપળા પાલિકા પ્રમુખ જીગીશા ભટ્ટે જણાવ્યું હતું કે, CO અમિત પંડ્યા ક્યાં ગયા છે એ મને પણ ખબર નથી,પણ મને બીજા દ્વારા એમ જાણવા મળ્યું છે કે તેઓ માંદગીની રજા પર ઊતર્યા છે. એક અધિકારી તરીકે મને જાણ કરવાની એમની ફરજ છે. મેં પણ એમને ઘણા ફોન કર્યા પણ એમનો ફોન બંધ આવે છે. રાજપીપળામાં ગંદકીની મને પણ ફરિયાદો મળે છે,મેં ગંદકી મામલે સફાઈ સુપરવાઈઝરને નોટિસ આપવા CO ને જણાવ્યું હતું તે છતાં નોટિસ નથી આપી. અમે કોઈ કામ સોંપીએ તો બસ ખાલી હા-હા જ કરે,એ અમારું કશું માનતા જ નથી. સફાઈ કામદારોને વાળવા સાવરણા પણ નથી આપતા.

 

પાલિકા પ્રમુખની ઓફિસ બંધ રહે છે: મુન્તેઝીર ખાન શેખ

રાજપીપળા પાલિકા વિપક્ષ નેતા મુન્તેઝીર ખાન શેખે જણાવ્યું હતું કે, રાજપીપળા પાલિકાનો વહીવટ ખાડે ગયો છે,પાલિકા પ્રમુખની ઓફિસ બંધ જ રહે છે. અને હાલ તો પાલિકા CO પણ નથી, પ્રજાને કામ હોય તો કોની પાસે જાય. રાજપીપળા પાલિકા CO કોઈ પણ જાતનો રજાનો રિપોર્ટ મૂક્યા વિના જતા રહ્યા હોવાનું 1 એપ્રિલે સુરત વડી કચેરી ખાતેથી મને જાણવા મળ્યું હતું. એ બાદ એમની જગ્યાએ કોઈ અધિકારી ચાર્જમાં પણ મુકાયો નથી.

 

સીઓ અમિત પંડ્યાનો અમને બે દિવસ પહેલાં જ માંદગી રિપોર્ટ મળ્યો છે:અમિત અરોરા

સુરતસ્થિત દક્ષિણ ઝોનના મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરાએ જણાવ્યું હતું કે, રાજપીપળા પાલિકા CO અમિત પંડ્યાનો લિવ રિપોર્ટ બે દિવસ પહેલા જ અમને મળ્યો છે. એમની આંખોનું ઓપરેશન કરવાનું હોવાથી એમના મેડિકલ રિપોર્ટ મુજબ એની રજા મંજૂર કરાઈ છે, એમની જગ્યાએ તરસાલી પાલિકા CO ને રાજપીપળા પાલિકાનો ચાર્જ અપાયો છે.

 

રાજપીપળા નગરપાલિકાની સ્થાપનાને 71 વર્ષ થયાં તે છતાં હાલ દેવાના ડુંગરમાં.

રાજપીપળા નગરપાલિકાની 3/5/1948 ના રોજ સ્થાપના કરવામાં આવી હતી.આજે સ્થાપનાને 71 વર્ષ થયાં તે છતાં હાલ રાજપીપળા નગરપાલિકા દેવાના ડુંગર નીચે દબાયેલી છે.હાલ રાજપીપળા નગરપાલિકાનું લાખો રૂપિયાનું વીજ બિલ બાકી પડે છે.રાજપીપળા પાલિકાના શાસકો દ્વારા ભૂતકાળમાં ભૂગર્ભ ગટર યોજના અમલી બનાવાઈ હતી એ પણ કોઈક કારણોસર બંધ પડી ગઈ છે.પાલિકાના ગંદા રાજકારણનો ભોગ શહેરની પ્રજા બની રહી છે.ભૂતકાળમાં તો શાસકો સારા હતા પણ વખત જતા જતા શહેરના વિકાસના નામે ખુદ પાલિકા શાસકો સામે જ ભ્રષ્ટાચારના આક્ષેપો લાગ્યા છે.જેમ જેમ સમય જાય તેમ તેમ જે તે સંસ્થાની પ્રગતિ થતી હોય છે પરંતુ રાજપીપળા નગરપાલિકાનું એનાથી ઊલટું છે.છેલ્લા કેટલાક સમયથી રોજમદારોના પગાર મુદે આંદોલનો થયા છે,પાલિકાના કેટલાકકર્મચારીઓના પગાર પણ મોડા થાય છે.જેથી શહેરની પ્રજા એમ ઇચ્છી રહી છે કે સત્તાપક્ષ અને વિપક્ષ રાજપીપળાના પ્રાણ પ્રશ્નો મુદ્દે ચિંતન કરે અને વિકાસ કક્ષી કામો કરે.

Get real time updates directly on you device, subscribe now.

Leave A Reply

Your email address will not be published.